ચોટીલાના ઝરિયા મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર દીપડાનો વીડિયો વાયરલ થતા દોડધામ મચી જવા પામી છે. જો કે આ અંગે વન વિભાગ દ્વારા સતાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

ચોટીલા નજીક આવેલા માંડવવન સહિતના જંગલ વિસ્તારમાં દીપડા સહિતના હિંસક પ્રાણીઓ અવાર નવાર પાણી અને ખોરાકની શોધમાં આવી ચડતાં હોય છે. અગાઉ પણ ચોટીલા તાલુકામાંથી દીપડાએ દેખા દેતા વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલાના ઝરીયા મહાદેવ મંદીર તરફ જવાના રસ્તા પર વન વિસ્તારમાં દીપડા લટાર મારતો હોય તેવો વિડીયો રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યોે હતો.વાયરલ વીડિયોમાં દીપડો બિન્દાસ ઝાડી ઝાંખરા વચ્ચે હરતો ફરતો જણાઈ આવ્યો હતો. જ્યારે ચોટીલા તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી હોય તેવો વિડીયો વાયરલ થતા સ્થાનિક રહીશો સહિત ઝરીયા મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા લોકોમાં ડર નો માહોલ ઉભો થયો છે. જ્યારે આ મામલે સ્થાનિક વન વિભાગના અધિકારીનો સંપર્ક કરતા વાયરલ વીડિયોના આધારે ટીમો મોકલી તપાસ હાથ ધરી છે અને દીપડાના સગડ મળી આવ્યા બાદ તેને પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યા હતું. સાથે સાથે લોકોને પણ વાયરલ વીડિયોને લઈને ડર નહી રાખવા અપીલ કરી હતી.

