નર્મદા જિલ્લાના ભુછાડ ગામમાં આદિવાસી સમાજમાં પાંચ પેઢીથી પ્રકાશના પર્વ દિવાળીની અલગ જ રીતે ઉજવણી કરવાની પ્રથા છે.આ વર્ષે પણ દિવાળીની આદિવાસી સમાજે આગવા અંદાજમાં ઉજવણી કરીને આ પ્રથાને આગળ ધપાવી હતી.

નાંદોદના પૂર્વ ધારાસભ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી સમાજની પરંપરાઓને જીવંત રાખવાના પ્રયાસ રુપે ગ્રામજનો સાથે દિવાળી પર્વ મનાવ્યું હતું.પોતાના પૂર્વજોની જેમ આ આગેવાન પોતાના ઘરના ચૂલામાંથી ઘાસના પૂળાના આકારની દીવી પ્રગટાવીને ગામમાં નિકળ્યા હતા અને તેઓ જેમ જેમ આગળ વધતા હતા તેમ ગામના દરેક ઘરમાંથી લોકો પોતાના ઘરમાંથી આ જ રીતે દીવી પ્રગટાવીને તેમની પાછળ જોડાયા હતા.
ગ્રામજનોએ ગામના છેવાડે આવેલા કુળદેવીના મંદિર પાસે તમામ દીવી ભેગી કરી હતી.એ પછી ફટાકડા ફોડીને લોકોએ માતાજીને સુખ, શાંતિ, સમૃધ્ધિઅને આરોગ્યમય જીવન પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી હતી.એક સાથે તમામ દીવીઓ જ્યારે મંદિર પાસે મૂકવામાં આવી હતી ત્યારે દિવાળીના દિવસે હોળી પ્રગટી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.ગામા લોકો માને છે કે, દીવીઓના દહનથી કુરિવાજો, વ્યસનો અને નકારાત્મક ઉર્જા પણ ભસ્મીભૂત થઈ જાય છે.

