વડોદરાના સમા વિસ્તારમાં સગીરવયનો એક વિદ્યાર્થી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જમ્યા બાદ ગુડ નાઈટ.. કહી રૂમમાં ગયો, સવારે કામવાળી આવે ત્યારે દરવાજો ખુલ્લો હતો.
સમા-સાવલી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તા.20મી એ મોડી રાત્રે પરિવાર સાથે જમ્યો હતો અને ત્યારબાદ થોડીવાર વાતો કરી ગુડ નાઈટ કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. વહેલી સવારે કામવાળી બહેન આવી ત્યારે પરિવારજનો જાગ્યા હતા. બહેન સીધા અંદર આવી જતા પરિવારજનોએ દરવાજો કેવી રીતે ખોલ્યો..તેમ પૂછ્યું હતું જેથી બહેને પહેલેથી જ દરવાજો ખુલ્લો હોવાનું કહ્યું હતું.
તિજોરીની ચાવી બીજેથી મળી, રોકડા 3 લાખ ગુમ હતા આ જાણી આશ્ચર્ય પામેલા પરિવારજનોએ ચોરીની આશંકાએ તિજોરીઓ અને કબાટ ચેક કરતાં વિદ્યાર્થી તેની રૂમમાં મળી આવ્યો ન હતો. આ ઉપરાંત તેના રૂમના કબાટની ચાવી હંમેશા લોક સાથે લટકતી રહેતી હતી તે ટેબલ ઉપર જોવા મળી હતી. જેથી પરિવારજનોએ તેને મોબાઈલ કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. પરિવારજનોએ તિજોરીમાં તપાસ કરતાં ત્રણ લાખની રોકડ રકમ પણ ગુમ હતી.
ઘર છોડતાં પહેલા શિક્ષકને મેસેજ કરી કહ્યું, આજે હું આવવાનો નથી ગભરાઈ ગયેલા પરિવારજનોએ સ્કૂલના શિક્ષકને પૂછતાં તેમણે વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો નહીં હોવાનું કહ્યું હતું અને સવારે મેસેજ કરી આજે હું આવવાનો નથી તેવી માહિતી આપી હોવાની જાણ કરી હતી. જેથી પરિવારજનોએ સમા પોલીસને જાણ કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:57 કલાકે બેગ સાથે જતો દેખાયો
રહસ્યમય રીતે ગુમ થયેલા વિદ્યાર્થીને શોધવા માટે પરિવારજનોએ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રે 12:57 કલાકે તે એપાર્ટમેન્ટની બહાર બેગ સાથે જતો નજરે પડ્યો હતો. જેથી સમા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સીસી ફૂટેજ પરથી તેનું પગેરું શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

