ખાડી યુધ્ધની સ્થિતિમાં ગેસની આયાત પર અસર પડી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કોમર્શિયલ ગેસના વપરાશ પર નિયંત્રણો મૂકાયા છે પરંતુ ઘરગથ્થુ એલપીજી ગેસના બોટલના વિતરણ અને પ્રોડક્શન પર કોઇ નિયંત્રણ નહી અને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં એલપીજી ગેસ બોટલની કોઇ તંગી નહી હોવા છતાં લોકો ગભરાટના કારણે ગેસ એજન્સીઓની બહાર લાઇનો બૂકિંગ માટે લગાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલપીજી ગેસ બોટલના બૂકિંગ માટે ઓનલાઇન પ્રોસેસમાં તકલીફ પડતી હોવાની બૂમો વચ્ચે લોકો હવે ગેસ એજન્સીમાં ગેસ બોટલ બૂકિંગ કરાવવા માટે દોડી રહ્યા છે. ગઇકાલથી શરૃ થયેલી ગેસ એજન્સીઓની બહાર લાઇનો આજે પણ યથાવત રહી હતી. આજે શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ પાણીગેટ, આજવારોડ વિસ્તારની ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઇનો ગ્રાહકોની લાગી હતી.સવારથી જ ગેસ એજન્સીઓની બહાર લોકો બૂકિંગ કરાવવા માટે કામ ધંધો છોડીને લાઇનોમાં ઊભા રહી જાય છે. ગઇકાલે તંત્ર દ્વારા સ્ટોકની વિગતો અને વપરાશની વિગતો મેળવીને એલપીજી બોટલોની કોઇ તંગી નથી તેવી જાહેરાત કરવા છતાં પણ આજે સવારથી લોકો લાઇનમાં ઊભા રહીને બૂકિંગ કરાવતા નજરે પડયા હતાં. ગેસના બોટલોનું બૂકિંગ યોગ્ય સમયે જ કરાવવા અપીલ કરવા છતાં ગભરાટના માર્યા લોકો બૂકિંગ કરાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એલપીજી ગેસ બોટલોની સપ્લાય માટે ઓઇલ કંપનીઓએ હવે ક્વોટા સિસ્ટમ શરૃ કરી દીધી છે. જે ગેસ એજન્સી પાસે વધારે ગ્રાહકો હશે તેમને રોજ એક ગાડી તેમજ નાની એજન્સી હોય તેને બે દિવસે એક ગાડી એલપીજી બોટલોની ડિલિવરી કરવામાં આવી રહી છે.બૂકિંગ માટે લાઇનમાં ઊભેલી મહિલા ઢળી પડી
શહેરના પાણીગેટ વિસ્તારની ગાયત્રી ગેસ એજન્સીમાં બૂકિંગ કરાવવા માટે લાગેલી લાઇન વચ્ચે ગઇકાલે એક મહિલા ઢળી પડી હતી જો કે લોકોએ તેને ઉઠાવીને ફરી પાછી લાઇનમાં ઊભી રાખી હતી. આ ઘટના બાદ પૂર્વ મામલતદાર પણ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ઘટનાનો રિપોટ મેળવ્યો હતો.
બૂકિંગ થતા નથી તેવી ફરિયાદો વચ્ચે રોજ ડબલ બૂકિંગ
એલપીજી બોટલ બૂકિંગ કરાવવા માટે ઓનલાઇન નંબરની સુવિદ્યા ઉપલબ્ધ છે. આ નંબરો પર ગ્રાહકો બૂકિંગ માટે સંપર્ક કરે તો નંબરો લાગતા જ નથી તેવી ફરિયાદો મળી રહી છે. બીજી બાજુ તંત્ર દ્વારા એવો બચાવ કરાયો છે કે બૂકિંગ માટે ધસારો થતો હોવાથી સર્વર સ્લો થઇ જાય છે અને તેના કારણે બૂકિંગમાં તકલીફ સર્જાઇ છે. પાણીગેટ ખાતેની ગાયત્રી ગેસ એજન્સીએ જણાવ્યું હતું કે અમારી એજન્સીમાં રોજ ૮૦૦થી ૯૦૦ બૂકિંગો થાય છે પરંતુ છેલ્લા બે દિવસથી રોજ ૨૧૦૦નું બૂકિંગ કરીએ છે.

