વડોદરા શહેરના ગોત્રી તળાવમાં કચરો ઠાલવતા કેટલાક લારીધારકો સામે મ્યુ. કોર્પોરેશને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી એક ટ્રક ભરી માલ સામાલ જપ્ત કર્યો હતો.

ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશને ગોત્રી તળાવમાં કચરો નાખી ગંદકી ફેલાવનાર લારીધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. એન્ક્રોચમેન્ટ એન્ડ રિમુવલડાયરેક્ટર, આસી. મ્યુનિ. કમિશનર પશ્ચિમ ઝોન, વોર્ડ નં. 10ના રેવન્યુ ઓફિસર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા વિઝિટ કરતા ગોત્રી તળાવ શાક માર્કેટથી ગોત્રી પાણીની ટાંકીથી લઈને બીલીવન ગાર્ડન સુધીના તળાવ કિનારે આવેલા કેટલાક લારીધારકોની બેદરકારી સામે આવી હતી.લારીધારકોને ડસ્ટબીન ન રાખવું, જાહેર સ્થળે કચરો નાખવો,
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો, હંગામી શેડ ઉભા કરવા તેમજ ગોત્રી તળાવમાં સીધો કચરો નાખી જળોતને પ્રદૂષિત કરવાની બાબતોને ધ્યાનમાં લઈ સ્થળ પર જ કુલ રૂ.61,200નો દંડ વસૂલ કર્યો હતો. તળાવ કિનારે હંગામી શેડ દૂર કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે બિનવારસી હાલતમાં પડી રહેલા બે ટુ-વ્હીલર વાહનો પણ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, ખુલ્લામાં નોનવેજનો ધંધો કરી તળાવમાં કચરો ઠાલવતા ઈસમો સામે પણ કાર્યવાહી કરી તેમનો એક ટ્રક ભરી માલસામાન જપ્ત કર્યો હતો.

