વડોદરા નજીક આવેલા અંકોડીયા ગામની સીમમાં ટીપી રોડ પરથી ગોરવા વિસ્તારની એક પરિણીતાની હત્યા થયેલી લાશ રહસ્યમય સંજોગોમાં મળતાં પોલીસે હવે હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકોડીયા ગામની સીમમાં ૭ મીટરના ટીપી રોડ પાસે ખુલ્લામાં એક યુવતીની લાશ પડી છે તેમજ તેના મોંઢા અને નાકમાંથી લોહીં નીકળે છે તેવી માહિતી શેરખી-બોડીકુવા ગામના દિનેશભાઇ પરમારે પોલીસને આપતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આશરે ૩૬ વર્ષની વયની યુવતીએ શરીર પર પંજાબી ડ્રેસ પહેર્યો હતો તેમજ કાનમાં કડી અને ચંપલો મળ્યા હતાં. તેના શરીર પર નખ વાગ્યા હોય તેવા નિશાન પણ હતાં.
પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાના અનુમાન સાથે પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરતા યુવતી ગોરવા વિસ્તારમાં રહેતી અજીદા મુસ્તુફા ઇસ્માઇલ દિવાન હોવાની ઓળખ થઇ હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે અજીદા પરિણીત તેમજ તેને સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર રેહાન છે. તેને પતિ સાથે અણબનાવ થતાં છેલ્લા છ માસથી તે પિયરમાં રહેતી હતી.
ગોરવા વિસ્તારની પરિણીતાના મોત અંગે પ્રથમ અકસ્માત મોતની નોંધ બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેની હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

