VADODARA : ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ

0
10
meetarticle

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા 40 વર્ષીય શખસે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં છે.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા જીવણ નગર વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પાણીગેટ પોલીસે રમેશ વસાવાની અટકાયત કરી હતી અને અટકાયતી પગલાં હેઠળ તેને લોકઅપમાં પૂરી દીધો હતો.

માહિતી અનુસાર, લોકઅપમાં રમેશની સાથે અન્ય ત્રણ શખસો પણ હતા. આજે (21મી જાન્યુઆરી) વહેલી સવારે રમેશ લોકઅપમાં આવેલા ટોયલેટમાં ગયો હતો. લાંબો સમય સુધી તે બહાર ન આવતા સાથી શખસોએ તપાસ કરી હતી, જ્યાં રમેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેદીઓએ બૂમો પાડતા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રમેશે તેના સ્વેટરની દોરી વડે શૌચાલયમાં ફાંસો ખાઈ લીધો હતો.પરિવારનો આક્રોશ અને પોલીસ પર આક્ષેપ

યુવકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારે આક્રોશ સાથે આક્ષેપ કર્યો છે કે, રમેશનું મોત આપઘાતથી નહીં પરંતુ પોલીસના ઢોર મારને કારણે થયું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો અને તણાવની સ્થિતિ સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો છે.

મોતનું કારણ પીએમ બાદ સ્પષ્ટ થશે

ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવાની અને સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here