છાયાપુરી રેલવે સ્ટેશન પર સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં પટકાયેલા યુવકને ગંભીર ઇજા થતા મોત થયું છે. મિત્રને બચાવવા ગયેલા યુવકને પણ ગંભીર ઇજા પહોંચી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડના પત્તરાકલા ગામનો ૩૩ વર્ષનો સત્યનારાયણ રામરાજ રામ અને છત્તરપુરીનો ૩૯ વર્ષનો રામાનંદ યાદવ દહેજ ખાતેની ખાનગી કંપનીમાં કાન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. વતન ઝારખંડ જવા માટે તેઓ દહેજથી વડોદરા આવ્યા હતા અને વડોદરાથી ટ્રેનમાં ઝારખંડ જવા માટે છાયાપુરી રેલવે સ્ટેશન ગયા હતા. સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેનની જનરલ કોચની ટિકિટ લઈને તેઓ ચાલુ ટ્રેનમાં ચઢવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન સત્યનારાયણ રામનો પગ લપસતા તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. પોતાના મિત્રને બચાવવા માટે રામાનંદ યાદવે પ્રયાસો કરતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્ટેશન ઉપર હાજર લોકો તથા રેલવેનો સ્ટાફ દોડી આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં હતાં. જ્યાં સત્યનારાયણ રામનું મોત થયું હતું.
