માત્ર વડોદરા કે ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતના જૈન સમાજમાં વડોદરાનું છાણી ગામ એક આગવી ઓળખ ધરાવે છે. અહીંના લગભગ દરેક જૈન પરિવારે પોતાના સંતાનોને સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા અપાવી રાષ્ટ્રને અર્પણ કર્યા છે, જે એક ગૌરવશાળી પરંપરા છે.

સંયમ અને ત્યાગની ભૂમિ: વડોદરાના છાણી ગામની અનોખી વૈશ્વિક ઓળખ
વડોદરા શહેરની નજીક આવેલા અને હવે કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ છાણી ગામમાં જૈન સમાજના આશરે 200 પરિવારો વસે છે. અહીં 16મા તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથનું ભવ્ય જિનાલય આવેલું છે. છાણી ગામના જૈન સમાજની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પવિત્ર ભૂમિએ સૌથી વધુ સાધુ-સાધ્વી ભગવંતોને આપ્યા છે, જે સમગ્ર દેશમાં એક વિરલ ઉદાહરણ પૂરું પાડે છે
.ત્યાગની અનોખી પરંપરા
ગામના વડીલો અને પૂજ્ય જૈનાચાર્યો ગૌરવ સાથે જણાવે છે કે, છાણીનું કદાચ એક પણ જૈન પરિવાર એવું નહીં હોય જેણે ધર્મના માર્ગે દીક્ષાર્થી ન આપ્યો હોય. આ નાનકડા ગામની પવિત્ર ભૂમિ પરથી અત્યાર સુધીમાં 300થી વધુ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી છે, જેમાંથી 18 જેટલા મહાત્માઓ તો ‘આચાર્ય’ પદ સુધી પહોંચ્યા છે. સંયમ અને ત્યાગની આવી મિસાલ અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.
ઉચ્ચ શિક્ષણ પર વૈરાગ્યનો રંગ: 10 વર્ષ બાદ ફરી છાણી ગામમાં દીક્ષા મહોત્સવ
જૈન સમાજમાં અનોખી શાખ ધરાવતા છાણી ગામમાં 10 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર દીક્ષા મહોત્સવનું આયોજન થતાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે યુવાનો ઉચ્ચ કારકિર્દી બનાવવા પાછળ દોડી રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર મુમુક્ષુ વિશ્વાએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ પસંદ કર્યો છે. ધર્મેશભાઈ શાહ અને શિલ્પાબેનની પુત્રી વિશ્વાના આ વૈરાગ્યપૂર્ણ નિર્ણયને પરિવારજનોએ સહર્ષ સ્વીકારીને દીક્ષાની મંજૂરી આપી છે.
શાંતિનાથ ભગવાનના નિર્વિધ્ને દીક્ષા માટે જિનાલયમાં લોકો માનતા રાખે છે
વડોદરાના છાણી ગામમાં સ્થિત 16મા તીર્થંકર ભગવાન શ્રી શાંતિનાથનું 131 વર્ષ જૂનું પ્રાચીન જિનાલય દીક્ષાર્થીઓ માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. જૈન ધર્મમાં દીક્ષાના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય અને સંયમ જીવનનો અંગીકાર નિર્વિઘ્ને પાર પડે, તે માટે દેશભરમાંથી મુમુક્ષુઓ અહીં માનતા રાખવા આવે છે. શાંતિનાથ ભગવાનના શરણમાં આવવાથી દીક્ષાના માર્ગની અડચણો દૂર થતી હોવાની પ્રબળ માન્યતા છે. આ જ કારણ છે કે માત્ર છાણી જ નહીં, પરંતુ અન્ય શહેરોના અનેક દીક્ષાર્થીઓએ પણ પોતાની દીક્ષા માટે આ પવિત્ર ભૂમિની પસંદગી કરી છે.
