છાણી ટીપી-૧૩ વિસ્તારમાં આજે સવારે પહેલા માળે આવેલા એક ગોડાઉનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

છાણી ટીપી-૧૩ના સાંઇ મંદિર પાસે આવેલા અક્ષર ઇન્ડસ્ટ્રિઅલના એક ગોડાઉનમાંથી આજે સવારે ધુમાડા નીકળતાં હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે આખા ગોડાઉનમાં ધુમાડા પ્રસરી ચૂક્યા હતા.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યાં હતા અને દુકાનદારો પણ બહાર દોડી આવ્યા હતા.
છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડની ટીમો ચાર ફાયર ફાઇટર સાથે કામે લાગી હતી અને ધુમાડા બહાર કાઢવા માટે વેન્ટિલેશન કરાવી લગભગ એક કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં લીધી હતી.જેને કારણે આસપાસની દુકાનો બચી ગઇ હતી.
ઉપરોક્ત બનાવમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ ગોડાઉનમાં ઝેરોક્ષના રીપેરિંગ માટે આવેલા મશીનોને નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો મળી છે.મશીનોને કારણે થોડીથોડી વારે બ્લાસ્ટ પણ થતા હોવાથી કામગીરીમાં ખોટકાતી હતી.આ વખતે પોલીસ પણ આવી ગઇ હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.

