વડોદરા નજીક જાંબુઆ હાઈવે પર આજે સવારે એક ટેમ્પામાં આગ લાગતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

જાંબુઆ હાઈવે ઉપર વાહનોની બારે અવરજવર વચ્ચે વાલીયા થી મહેસાણા તરફ જઈ રહેલા એક ટેમ્પામાં બેટરીના ભાગે ધુમાડા નીકળતા ડ્રાઇવર ટેમ્પો એક બાજુ પાર્ક કરીને ઉતરી ગયો હતો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ટેમ્પાનું વાયરીંગ ધીમે ધીમે વધુ સળગી રહ્યું હોવાથી વાહન ચાલકો ગભરાયા હતા. જોકે જીઆઇડીસી ફાયર બ્રિગેડ આવી જતા થોડી જ વારમાં આગ કાબુમાં લઈ લીધી હતી. જેને કારણે ટેમ્પા ની અંદર ભરેલા કપાસના બીજ નો મોટો જથ્થો બચી ગયો હતો. જો આગ કપાસ સુધી પહોંચી હોત તો આખો ટેમ્પો સળગી ગયો હોત.

