વડોદરા શહેરના નવી ધરતી નાગરવાડા વોર્ડ નં.7માં આવેલી જીવન સાધના શાળાના જવાના રસ્તે કોર્પોરેશનના અનગઢ અધિકારીઓએ મુખ્ય રસ્તા પર પાણી વિતરણ કરવા માટેનું બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થાય છે અને એક વર્ષમાં વીસથી પચ્ચીસ વખત ખોદકામ કરવામાં આવે છે. જેનાં કારણે જીવન સાધના શાળા ન્યુ ઈરા સ્કૂલ તેમજ કોર્પોરેશન દ્વારા સંચાલિત કાર્યા અનુભવ પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ તેમજ અન્ય નાગરિકો હેરાન થાય છે.

આ અંગે જીવન સાધના શાળાના સિનિયર શિક્ષક હસમુખ પાઠકે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને મૂકેલા પાણી સપ્લાય કરતા બૂસ્ટરને તાત્કાલિક વ્હીકલ પૂલ ખાતે ખસેડવા માટે અનુરોધ કર્યો છે. મુખ્ય મંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી તે સમયે કોર્પોરેશન દ્વારા જવાબ આપ્યો હતો કે, અમારૂં વ્હીકલ પૂલ ખાતે બૂસ્ટર બની જાય એટલે અમે તાત્કાલિક ધોરણે આ બૂસ્ટર હટાવી દઈશું પરંતુ આજે એ બૂસ્ટર બનાયાના દસ વર્ષ પુરા થયાં છે. આ અંગે હસમુખ પાઠકે વધુમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન પાસે પૈસા ના હોય કે આયોજન કરવામાં ના આવ્યું હોય તો અમે ગાંધીનગર ગૃહ ખાતે બેસીને લોકો પાસેથી લોક ફાળો ઉઘરાવીને પૈસા આપવા માટે તૈયાર છીએ.

