ઝારખંડમાં શરાબ કૌભાંડની તપાસનો રેલો વડોદરા સુધી આવ્યો છે.જેમાં વોન્ટેડ આરોપી વડોદરામાં આવ્યો હોવાની માહિતી મળતાં જ તેને ઝડપી પાડી ઝારખંડ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,ઝારખંડમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા શરાબની દુકાનોના પરવાના અને મેનપાવર સપ્લાય કરવાના કામોમાં ગેરરીતિ તેમજ નકલી બેન્ક ગેરેંટીનું કૌભાંડ પકડાયું હતું.જેની એન્ટિ કરપ્શન બ્યૂરો અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ ગોટાળામાં એસીબીએ બે પૂર્વ આઇપીએસ મનોજ કુમાર અને વિનય ચૌબે સહિતના આરોપીઓની પણ ધરપકડ કરી હતી.
આ કેસમાં મહારાષ્ટ્રની મે.માર્શન ઇનોવેટિવ સિક્યુરિટી સર્વિસ પ્રા.લિ.નું પણ નામ ખૂલ્યું હતું.જેમાં સામેલ જગન તુકારામ દેસાઇ(થાણે,મહારાષ્ટ્ર) સામે કોર્ટે ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું હોવાથી રાંચી પોલીસ તેને શોધી રહી હતી.
જગન રાજસ્થાનથી વડોદરા બસમાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં ઝારખંડ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી હતી.જેથી સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે ટીમ મારફતે વોચ રાખી આરોપીને ઝડપી પાડયો હતો.

