હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ હજી સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી. નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં પણ તાપમાન 13.2 ડિગ્રીથી નીચે જઈ શક્યું નથી પરિણામે માત્ર વહેલી સવારે અને મોડી સાંજે જ સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. આજે તાપમાનનો પારો 13.6 ડિગ્રી રહ્યો છે જે ગઈકાલના 14 ડિગ્રી કરતા 0.4 ડિગ્રી ઓછો છે. ગઈ તા.6ઠ્ઠીએ તાપમાન 14.6 ડિગ્રી હતું. જ્યારે તેના આગલા દિવસે તા.5મી તાપમાન 13.6 ડિગ્રી અને તા.4થીએ 13.2 ડિગ્રી રહ્યું હતું. જે તા.3જીએ 14.2 ડિગ્રી હતું.

આમ તાપમાનનો પારો 13.2 ડિગ્રીથી 15 ડિગ્રી આસપાસ ફરતો રહ્યો હતો. પરિણામે ઉતરાયણના પતંગોત્સવમાં પણ કડકડતી ઠંડીના બદલે સામાન્ય ઠંડીનો અહેસાસ થવાની શક્યતા નકારી શકાતી નથી. શિયાળાની ઋતુમાં હાલ માત્ર વહેલી સવારે ધુમ્મસ સહિત ઠંડીનો ચમકારો રહે છે પરંતુ બપોર સુધીમાં ઠંડીનો બિલકુલ એહસાસ થતો નથી પરંતુ સમી સાંજે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે છે બાકી દિવસભર વાતાવરણ ખુશનુમા રહે છે.

