ડભોઇના ધરમપુરી માઇનોર કેનાલમાં ગંભીર બેદરકારી: અધિકારીઓની નિષ્ક્રિયતાથી છેવાડાના ખેડૂતો મુશ્કેલીમાં ડભોઇ તાલુકાના ધરમપુરી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ (નર્મદા નહેર) માં મોટા પ્રમાણમાં ઝાડી-જાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે આગામી ૮ મહિનાનો સમય કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ હોવા છતાં, કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી. આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે સફાઈની માંગ ઉઠી છે.

પાણીનો પ્રવાહ રોકાયો: ખેડૂતોની ચિંતા વધી
કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી-જાખરાને કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી. આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે, જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું નથી ખેડૂતોની રજૂઆત હાલ અમને તુરંત પાણીની જરૂર નથી, પરંતુ જો નહેરની સફાઈ અત્યારે નહીં થાય, તો શિયાળુ પાક અને ખાસ કરીને ઉનાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે. જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થશે, ત્યારે આ ઝાડીઓ પાણીને આગળ વધવા દેશે નહીં અને અમારો પાક નિષ્ફળ જશેસ્થાનિક ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, સામાન્ય રીતે કેનાલની નિયમિત સફાઈ થતી નથી. જો કોઈ મંત્રી કે અગ્રણી નેતા નો પ્રવાસ કાર્યક્રમ હોય, તો માત્ર તેમના પ્રવાસ માર્ગના આગળ અને પાછળના નજીવા ભાગની જ આઈ-વોશિંગ સફાઈ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર કેનાલને સાફ કરવામાં આવતી નથી. આ ભેદભાવભરી નીતિનો ભોગ છેવાડાનો ખેડૂત બની રહ્યો છે.કમોસમી વરસાદનો માર અને હવે સિંચાઈનું સંકટખેડૂતોએ પહેલેથી જ કમોસમી વરસાદનો મોટો માર સહન કર્યો છે, જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે. હવે તેમને આશા છે કે શિયાળુ અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકાય, પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતા તેમના આ પ્રયાસો પર પાણી ફેરવી શકે તેમ છે.

ખેડૂતોની માંગ
ધરમપુરી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા-વળગતા અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે કે, ખેડૂતોની મુશ્કેલીઓને સમજીને તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલની સંપૂર્ણ સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

