છુછાપુરા ડભોઈ-બોડેલી સેક્શન ભારતીય રેલવે એક તરફ આધુનિકીકરણ અને ‘અમૃત ભારત’ સ્ટેશન યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ-બોડેલી લાઇન પર આવેલું છુછાપુરા રેલવે સ્ટેશન તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની રહ્યું છે. અહીં પૂરતા પ્લેટફોર્મની સુવિધા ન હોવાને કારણે દરરોજ સેંકડો મુસાફરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડી રહી છે શું છે મુખ્ય સમસ્યા જ્યારે ડભોઈ તરફથી આવતી ટ્રેન અને બોડેલી તરફથી આવતી ટ્રેન છુછાપુરા સ્ટેશને ક્રોસિંગ માટે ભેગી થાય છે, ત્યારે મોટી મુશ્કેલી સર્જાય છે.

સ્ટેશન પર એક જ મુખ્ય પ્લેટફોર્મ હોવાથી, બીજી ટ્રેન પ્લેટફોર્મ વગરના ટ્રેક પર ઊભી રાખવામાં આવે છે.બીજા ટ્રેક પર પ્લેટફોર્મ ન હોવાથી ટ્રેન અને જમીન વચ્ચેનું અંતર ઘણું વધી જાય છે.વૃદ્ધો, મહિલાઓ અને બાળકોએ ટ્રેનના ઊંચા પગથિયાં પરથી નીચે કૂદવું પડે છે અથવા જીવના જોખમે નીચે ઉતરવું પડે છે.મુસાફરોમાં રોષ અને તંત્ર સામે સવાલ સ્થાનિક મુસાફરો અને દૈનિક અપડાઉન કરતા લોકોની માંગ છે કે અહીં વહેલી તકે બીજા પ્લેટફોર્મની સુવિધા કરવામાં આવે. લોકોનું કહેવું છે કે:અકસ્માતનો ભય: ક્રોસિંગ વખતે ઉતાવળમાં ઉતરતા મુસાફરો ગમે ત્યારે ટ્રેન નીચે આવી શકે છે અથવા પડી જવાથી ગંભીર ઈજા થઈ શકે છે.

સુવિધાનો અભાવ: ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક રેલવેના દાવાઓ વચ્ચે છુછાપુરા જેવા ગ્રામ્ય વિસ્તારના સ્ટેશનો કેમ વંચિત છે?
ગંભીર માંગ: મુસાફરોની માંગ છે કે રેલવે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે પ્લેટફોર્મની ઊંચાઈ વધારે અથવા નવું પ્લેટફોર્મ બનાવે.હવે જોવાનું એ રહે છે કે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ જનતાની બૂમ સાંભળે છે કે પછી મુસાફરોએ આમ જ જોખમી મુસાફરી ચાલુ રાખવી પડશે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

