ડભોઇ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શરૂઆતમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સહિતના અવસાન પામેલ વ્યક્તિઓને બે મિનિટનું મૌન ધરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

સભા દરમિયાન નગરપાલિકાના પાછલા હિસાબોને લઈને સત્તા અને વિપક્ષ વચ્ચે તીવ્ર શાબ્દિક ટકરાવ સર્જાયો હતો, પરંતુ અંતે બહુમતીના જોરે હિસાબો મંજૂર કરાયા.
સભાનો મુખ્ય મુદ્દો રહ્યો ડભોઇ નગરપાલિકા હદ વિસ્તાર વધારવાનો, જેમાં વેગા, કજાપુર, ટીંબી અને તરસાણા ગામોને નગરપાલિકા હદમાં સમાવવા માટેનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરાયો.
બીજી તરફ, આ ચારેય ગ્રામ પંચાયતો વેગા, ટીંબી, કજાપુર અને તરસાણા એ નગરપાલિકામાં જોડાવાના વિરોધમાં લેખિત ઠરાવ પસાર કરી નગરપાલિકા સમક્ષ રજૂ કર્યો છે. કોંગ્રેસ વિપક્ષ દ્વારા પણ આ નિર્ણયનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.
વિપક્ષનું કહેવું છે કે, અગાઉ ડભોઇ નગરપાલિકામાં જોડાયેલા વિસ્તારોમાં આજે પણ પાણી, ગટર, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી શકાઈ નથી. નર્મદા વિસ્થાપિત વસાહતો જેવી કે નડા, વેરાઈમાત અને ઢાલનગર વસાહત છેલ્લા ૩૦ વર્ષથી નગરપાલિકા હદમાં હોવા છતાં ત્યાં નર્મદા નિગમ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકા દ્વારા સુવિધા આપવાંમાં આવતી નથી
તે કારણે નગરપાલિકાનો વિસ્તાર વધાર્યા બાદ નવી વસાહતોને સુવિધા પૂરી પાડવી મુશ્કેલ બનશે એવો વિપક્ષનો દાવો છે.
વેગા, ટીંબી, કજાપુર અને તરસાણા ગામો શહેરથી આશરે ૪ થી ૫ કિલોમીટર દૂર સ્થિત ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે. વિપક્ષ દ્વારા ઠરાવ હાલ માટે મુલતવી રાખવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાએ બહુમતીના આધારે ઠરાવ નંબર-૧ પાસ કરી ચારેય ગામોને ડભોઇ નગરપાલિકા હદમાં જોડવાનો નિર્ણય મંજૂર કર્યો.
સભા દરમિયાન નગરપાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકીને નવા ટેન્ડર બહાર પાડવાના મુદ્દે પણ ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી.
આ નિર્ણય પછી ડભોઇ શહેરમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ ઉઠી છે વિસ્તાર વધારો વિકાસ માટે છે કે રાજકારણ માટે તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

