ડભોઇ વર્ષ 2026 ના પ્રારંભે સમગ્ર રાજ્યમાં ‘માર્ગ સલામતી માસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડભોઇ પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઉતરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા માટે ડભોઇ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે ડભોઇ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઇના વ્યસ્ત ગણાતા શિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
300 જેટલા વાહનો પર સેફ્ટી ગાર્ડનું ઇન્સ્ટોલેશન ઉતરાયણ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની કાચ પાયેલી ધારદાર દોરી રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોના ગળામાં આવી જતી હોય છે, જેના કારણે ભૂતકાળમાં ગંભીર ઇજાઓ અને મૃત્યુના અનેક બનાવો બન્યા છે. આ જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ડભોઇ પોલીસ દ્વારા આશરે 300 જેટલા ટુ-વ્હીલર વાહનો પર લોખંડના સેફ્ટી ગાર્ડ (તાર) લગાડી આપવામાં આવ્યા હતા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અને દોરીથી સાવધ રહેવા માટે સમજણ આપવામાં આવી હતી.
આ કામગીરી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સેવાના ભાવથી કરવામાં આવી હતી.

પોલીસ સ્ટાફની સક્રિય કામગીરી
આ માનવતાવાદી કાર્યમાં ડભોઇ પોલીસ મથકના પી.એસ.આઈ. ગોહિલ, કોન્સ્ટેબલ ભાઈલાલભાઈ, હસમુખભાઈ, નાગજીભાઈ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફે ખડેપગે રહીને સેવા આપી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સામાજિક જાગૃતિની કામગીરીને નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.
લોકમુખે પ્રશંસા અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પોલીસ માત્ર દંડકીય કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે, પરંતુ ડભોઇ પોલીસે નાગરિકોના જીવ બચાવવા માટે સામે ચાલીને સુરક્ષા કવચ પૂરું પાડતા લોકોમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે. વાહનચાલકોએ પણ આ પહેલ બદલ ડભોઇ પોલીસનો આભાર માન્યો હતો.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

