ડભોઇ: મુખ્ય માર્ગ પર દશામાના મંદિર નજીક મોટો ભુવો, હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં ડભોઇ: ગુજરાતના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતા મુખ્ય અને અત્યંત વ્યસ્ત માર્ગ પર ડભોઇ શહેરની હદમાં દશામાના મંદિર નજીક એક વિશાળ અને જોખમી ભુવો (ખાડો) પડ્યો છે. ડભોઇની નાનોદી ભાગોળથી શિનોર ચોકડી તરફના આ માર્ગ પર આ ‘મોતનો ખાડો’ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યો છે.

SOU નો મુખ્ય માર્ગ: રોજના હજારો વાહનોની અવરજવર આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સુધી પહોંચવાનો સૌથી મુખ્ય અને અગત્યનો રસ્તો છે. રોજના હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો, બસો અને ખાનગી ગાડીઓ અહીંથી પસાર થાય છે. એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આ જ ભુવા પાસેથી પસાર થવા મજબૂર છે.મોડી રાત્રે કે વહેલી સવારે, જ્યારે વિઝિબિલિટી ઓછી હોય છે, ત્યારે આ ભુવો કોઈ પણ વાહનચાલક માટે યમદૂત સાબિત થઈ શકે છે. તંત્રની બેદરકારી: જવાબદાર કોણ સ્થાનિકોમાં આ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ ભુવો પડ્યાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં, ડભોઇ નગરપાલિકા કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા તેને પૂરવાની કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ડભોઇ નગરપાલિકા ક્યારે જાગશે? શું વહીવટી તંત્ર કોઈ મોટો, જીવલેણ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ નિર્દોષ પ્રવાસી કે સ્થાનિક વ્યક્તિનું વાહન આ ખાડામાં પલટી જશે અને કોઈ જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું માત્ર SOU ના માર્ગોને જ મહત્વ આપવામાં આવશે અને ડભોઇની અંદરના માર્ગોને અવગણવામાં આવશે તાત્કાલિક પગલાં લેવા લોકમાગ
આ ભુવો નાનો નથી, પરંતુ મોટા અકસ્માતને નોતરનારો છે. ડભોઇ નગરપાલિકા અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ ગંભીર ભુવાને યુદ્ધના ધોરણે પૂરીને માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

