ડભોઈના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત ડભોઈ શહેરના હીરા ભાગોળ નજીક આવેલા રાણાવાસ વિસ્તારમાં, ખોડિયાર માતાના મંદિરે રાણા સમાજ દ્વારા વર્ષો જૂની શેરી ગરબાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે. આજના આધુનિક યુગમાં જ્યાં મોટા ભાગના શેરી ગરબાઓ લુપ્ત થતા જાય છે,

ત્યાં આ પ્રાચીન મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ અકબંધ છે.ભાવ ભક્તિ અને લોક સંસ્કૃતિનું અનોખું મિલન ખોડિયાર માતાનું આ મંદિર વર્ષોથી રાણા સમાજની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. નવરાત્રિ દરમિયાન અહીં માત્ર ડભોઈ શહેરમાંથી જ નહીં, પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો ગરબા રમવા માટે ઉમટી પડે છે. અહીં ગરબા કોઈ ડીજે કે આધુનિક સાધનોના સથવારે નહીં, પરંતુ પરંપરાગત ઢોલ અને તાસાના તાલે ગવાય છે. માતા અંબેના ગરબા ભાવ અને ભક્તિ સાથે ગવાય છે,

જે આજના યુવા પેઢી માટે પણ પ્રેરણાદાયક છે.ટેકનોલોજીના યુગમાં પણ જૂની પરંપરા જળવાઈ રહી આજના ફાસ્ટ-ફોર્વર્ડ યુગમાં, જ્યાં ગરબાના આયોજનો મોટા પાયે અને આધુનિકતા સાથે થાય છે, ત્યાં રાણા સમાજે પોતાની જૂની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે. આ પ્રયાસ દર્શાવે છે કે, ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, આપણા મૂળ અને સંસ્કૃતિને ભૂલવા ન દેવી જોઈએ. રાણા સમાજ દ્વારા આયોજિત આ શેરી ગરબા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢી માટે એક વારસા સમાન છે, જે તેમને આપણી લોક સંસ્કૃતિનું મહત્વ સમજાવે છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

