ડભોઈ નગરીમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ત્રીજા દિવસે જ સમગ્ર નગરમાં ગરબાનો માહોલ પૂરજોશમાં જામ્યો છે. શહેરના એપીએમસી મેદાન ખાતે માં ગઢ ભવાની દ્વારા આયોજિત ‘દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ’ના ગરબા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડ્યા હતા.

ત્રીજા નોરતે જ ગરબાની રમઝટ એવી જામી કે ખેલૈયાઓના પગ થનગની ઉઠ્યા હતા અને આખું મેદાન તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.આ વર્ષે પણ ગરબાના આયોજકોએ પરંપરાગત નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે કપાળ પર તિલક કરવું અને પારંપરિક પોશાક (ટ્રેડિશનલ ડ્રેસ) પહેરવો અનિવાર્ય છે. આ પરંપરાએ ગરબાના આયોજનમાં એક વિશેષ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક માહોલ ઉમેર્યો છે.સ્થાનિક લોકોમાં એવી દ્રઢ આસ્થા છે કે ડભોઈ નગરીની ચાર દિશાઓમાં બિરાજમાન ચાર દેવીઓ સમગ્ર નગરનું રક્ષાકવચ બનીને બેઠી છે. આ દેવીઓના આશીર્વાદથી નવરાત્રીના 11દિવસો કોઈ પણ વિઘ્ન વગર, સુખરૂપ રીતે પસાર થશે તેવી શ્રદ્ધા દરેક ભાવિકના મનમાં જોવા મળી રહી છે. ઢોલના તાલે અને તબલાની થાપ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે,

જે જોઈને લાગે છે કે ડભોઈનો ગરબા મહોત્સવ પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી ચૂક્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

