ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા શનિ મંદિરમાં ચોરી, પોલીસ નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ડભોઈ-સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામ પાસેના સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મંદિરની નજીક જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં આ ચોરી થતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉભા થયા છે. તસ્કરો મંદિરમાંથી દાનપેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજે ₹21,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની વિગત:
શનિવારે વહેલી સવારે મંદિરના પૂજારી નિમલદાસ બાપુને આ ચોરીની જાણ થઈ હતી. તેમણે જોયું કે મંદિરની દાનપેટી અને પૂજારીના રૂમના તાળા તૂટેલા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી રોકડ તેમજ પૂજારીના રૂમમાં રાખવામાં આવેલી રોકડ ચોરી થઈ ગઈ હતી. ચોરી થયેલી કુલ રકમ ₹21,000 હોવાનું અનુમાન છે.પોલીસ કાર્યવાહી પર સવાલ: ચોરીનું સ્થળ પોલીસ ચેકપોસ્ટથી માત્ર થોડાક જ મીટર દૂર છે. રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ અને સઘન સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી પર આ ઘટનાએ સીધા પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં વ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં ચાણોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી ચોરી કરનારા તસ્કરોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાથી મંદિરોની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

