ડભોઈથી કરનેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી. સદનસીબે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિઓનો જીવ બચી ગયો છે, આજે વહેલી સવારે એક ગાડી કરનેટ તરફથી આવી રહી હતી. આ દરમિયાન સામેથી આવતા એક બાઈક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી.

સ્થાનિકો બન્યા દેવદૂત ગાડી કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ એક મોટી જાનહાનિ ટળી છે.
નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ:
આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કેવારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી.અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે.શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.જો આજે લોકો સમયસર ન પહોંચ્યા હોત તો બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોત. તંત્ર હવે તો જાગે એક સ્થાનિક પ્રત્યક્ષદર્શી હવે જોવાનું એ રહ્યું કે આ અકસ્માત બાદ પણ નર્મદા નિગમ સફાળું જાગીને રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોશે?
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

