શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ટાઉનશીપ પાસે એક યુવક ઉપર જાહેરમાં હુમલો કરી તલવાર તેમજ ખંજર જેવા ધારદાર હથિયારોનું પ્રદર્શન બે માથાભારે શખ્સોએ કર્યું હતું.

બંને શખ્સો હથિયારો લઈને જૂના ઝઘડાની અદાવત રાખી યુવાનની પાછળ તલવાર અને ખંજર લઈને જાહેરમાં દોડ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વારસિયા પોલીસ સક્રિય થઈ હતી અને પોલીસે ગુનો નોધી હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરી ભય ઊભો કરનાર હાથીખાના વિસ્તારમાં ચમન ટેકરા ખાતે રહેતા ફરદીન યાસીન દિવાન અને અફુદીન મુસ્તાકસા દિવાનને ઝડપી પાડ્યા હતા બંને પાસેથી હથિયારો કબજે કરીને પોલીસે બે કાન પકડીને બંને માથાભારે પાસે માફી મંગાવી હતી.

