વડોદરા તાલુકાના દશરથ ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી શ્રીજીની પ્રતિમાઓનો એક મહિના બાદ પણ નિકાલ ન થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. દશરથ તેમજ આસપાસના ગામોના લોકોએ આ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું, પરંતુ તળાવમાંથી પ્રતિમાઓના કાટમાળને દૂર કરવાની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં અંદાજે 150થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું, જે હવે અસ્તવ્યસ્ત હાલતમાં દેખાઈ રહી છે. આ સ્થિતિને જોતા ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. જાગૃત નાગરિકોએ પંચાયત સમક્ષ આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા કૃત્રિમ તળાવો ખાલી કરી પ્રતિમાઓને ક્રશર મશીન દ્વારા નિકાલ કરવામાં આવ્યા હતા. પરંતુ દશરથ ગામ પંચાયત તરફથી એવી કોઈ વ્યવસ્થા ઊભી ન થવાથી સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પીઓપીની પ્રતિમાઓ હોવાથી પાણીમાં ઓગળવામાં લાંબો સમય લાગે છે. જેથી ગ્રામજનો હવે તાત્કાલિક પ્રતિમાઓનો નિકાલ કરવાની માગણી કરી રહ્યા છે.

