વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દિવાળી પછી બાયોમેટ્રિક એટેન્ડન્સ પર ખાસ ભાર મૂક્શે, તેમ મ્યુનિ. કમિશનર અરૃણ મહેશ બાબુએ કહ્યું હતું.

કોર્પોરેશનમાં આજે રિવ્યૂ બેઠક મળી હતી, તે મુદ્દે તેમણે કહ્યું હતું કે બાયોમેટ્રિક એટેન્ડન્સ સંદર્ભે અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને બાકી ૩ હજારથી વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ એટેન્ડન્સને લીધે કર્મચારીઓમાં શિસ્ત આવશે, ઓફિસમાં નિયમિત આવતા થાય અને ઓફિસમાં તેની કામગીરી કરે તે હેતુ રહેલો છે. તેમજ મોનિટરિંગ યોગ્ય રીતે થઈ શક્શે. રજિસ્ટ્રેશનમાં કર્મચારીઓને લગતી તમામ બાબતોની નોંધ કરવામાં આવે છે.
કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી અંગે વારંવાર વિવાદ ઉઠતા રહ્યા છે. અમુક કર્મચારીઓ હાજરી પૂરાવીને ઓફિસમાં હાજર ન હોય અને પોતાના અંગત કામોમાં રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપો પણ ઊઠતા રહ્યા છે.
બેંગ્લોર, હૈદરાબાદ, પૂના, પિપળી-ચિંચવડ પાલિકા દ્વારા આ પ્રકારની સિસ્ટમનો અમલ થઈ ચૂક્યો છે.

