વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વધી રહેલી ઠંડી સાથે વાતાવરણમાં વ્યાપેલું પ્રદુષણ જાણે અચાનક નીચેના ભાગે આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આજે વહેલી સવારથી વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું. જ્યાં રસ્તા પર વાહનોને હેડલાઈટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. સૂર્યોદય બાદ પણ જાણે અંધકાર વ્યાપ્યો હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ભેજની સાથે સાથે પ્રદુષણ પણ વધતા આજે વડોદરા શહેરનું મહત્તમ AQI સવારે 7થી 8 વાગ્યાના વચ્ચે 288 નોંધાયું હતું. જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકના AQIના સરેરાશ આંકડા પ્રમાણે 272 નોંધાયું છે. હેઝાર્ડસ હવામાનની શરૂઆત 300 AQIથી થાય છે. ત્યારે વડોદરા શહેર 300 AQIથી માત્ર 12 પોઈન્ટ નીચે હોવાને કારણે વાતાવરણમાં પ્રદુષણએ નવું સ્તર હાસિલ કર્યું છે. AQI વેબસાઈટના ડેટા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક 26મો છે.

