VADODARA : નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ

0
26
meetarticle

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી ગોયાગેટ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી કાળા રંગનું અને દૂષિત આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. દૂષિત પાણીના કારણે સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઘણા પરિવારોને બહારથી પાણી ખરીદવાની નોબત આવી છે. આ સમસ્યા સામે અગાઉ રહીશો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.

સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ગોયાગેટ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કરીને જતા રહેતા હતા અને સોસાયટીમાં વિવિધ જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા હતા, છતાં પાણી પુરવઠાની લાઈનમાં ખામી શોધી શકાયી ન હતી. પરિણામે આજે પણ લોકોના ઘરોમાં દૂષિત પાણીનું વિતરણ ચાલુ છે. હાલમાં નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં નાગરિકોને મૂળભૂત સુવિધા રૂપે શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી, જે ચિંતાજનક બાબત છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ભારે વેતન લેતા હોવા છતાં સમયસર વેરો ભરતી જનતાને આજે પણ શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે.સ્માર્ટ સિટીનો દાવો કરતી શહેરમાં આવી વ્યવસ્થાની ખામીઓ અનેક સવાલો ઊભા કરે છે. સ્થાનિક રહીશો અને કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નવી પાણીની લાઈન નાખવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરાવી લોકોને શુદ્ધ અને સુરક્ષિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here