ઉત્તરાયણનું પર્વ નિર્દોષ પક્ષીઓ માટે લોહિયાળ બનતું હોય છે.આ વખતે પણ વડોદરા શહેરમાં ૩૫૦ થી વધુ પક્ષીઓ લોહિલુહાણ થતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.

ઉત્તરાયણના પર્વ દરમિયાન મકાનો, તાર,ઝાડ,ટાવરો જેવા સ્થળોએ પતંગના દોરા ભરાઇ રહેતા હોવાથી પક્ષીઓ ફસાઇ જતા હોય છે.જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જીવદયા કાર્યકરોને સાથે રાખી વડોદરા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ૨૯ રેસ્ક્યૂ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત રેસ્ક્યૂ સેન્ટરો પર તબીબી સારવારની સવલત ઉપરાંત ત્રણ ઓપરેશન થિયેટરો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.જે દરમિયાન બે દિવસમાં રેસ્ક્યૂ સેન્ટરો તેમજ ફાયર બ્રિગેડને કુલ ૩૫૦ પક્ષીઓ ફસાઇ જવાના કોલ્સ મળ્યા છે.
આ પૈકી ૩૮ પક્ષીઓના મોત નીપજ્યાં છે.જ્યારે બાકીના ૩૧૨પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.જીવદયા કાર્યકરો અને ફોરેસ્ટના આરએફઓએ લોકોને પક્ષીઓને બચાવવા માટે જ્યાં દોરા દેખાય ત્યાંથી કાઢી લેવા અને આગામી તા.૨૦ સુધી રેસ્ક્યુ સેન્ટરો ચાલુ રહેવાના હોવાથી ફસાયેલું પક્ષી દેખાય તો તરત જ રેસ્ક્યુ સેન્ટર કે ફાયર બ્રિગેડને જાણ કરવા અપીલ કરી છે.
