વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી રિવ્યૂ બેઠકમાં શહેરના ચારેય ઝોનમાં પાણી, સુએજ, રોડ – રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઈટના બાકી રહેલા કામો ઝડપથી પૂરાં કરવાની સૂચના અપાઈ છે.

આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિકને નડતરરૃપ દબાણો હટાવવા, સફાઈ ઝુંબેશ ચલાવીને સાફસફાઈ કરવી, તળાવોની સફાઈ કરીને બ્યુટિફિકેશનનું બાકી કામ કરવા પણ કહ્યું છે. જે હેરિટેજ સેલ ઊભો કરવાનો છે તેને લગતી કામગીરી ક્યાં પહોંચી તેની વિગતો મેળવીને તે કામ પણ હાથ ધરવા સૂચના અપાઈ હતી.
શહેરના બાગ બગીચાઓમાં અને જાહેર સ્થળો પર શૌચાલય બનાવવા અને બ્રિજની નીચે તથા જાહેર માર્ગોની આસપાસની દીવાલો પર પેન્ટીંગ કરવા, જરૃરી લાઈટિંગ કરવા અને હવે વરસાદ બંધ હોવાથી અને તેમાંય નવરાત્રિનો તહેવાર નજીક હોવાથી જાહેરમાર્ગો પરના બાકી ખાડા અને પેચવર્કનું કામ ઝડપથી પૂર્ણ કરવા કહ્યું છે.
કોર્પોરેશન દ્વારા તા.૨ ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવ ચાલુ કરાયો હોવાથી તેને લગતી કામગીરી કરવા વોર્ડ ઓફિસરો અને કર્મચારીઓને ફિલ્ડમાં જઈને આગોતરું આયોજન કરવા કહ્યું હતું.

