જમીનના વિવાદ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે વારસિયાના પી.આઇ.ના નામે અઢી લાખની લાંચ લેતા ઝડપાયેલા વેપારીના રિમાન્ડ આજે પૂરા થતાં તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરતા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પીઆઇ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વારસિયામાં આવેલી જમીન પર બાંધકામ થતા જમીન માલિકે વારસિયા પોલીસ સ્ટેશનમાં બાંધકામ કરનારાઓ વિરુધ્ધમાં અરજીઓ કરી હતી. જે આધારે સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે.ગોકુલ નગર, સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વારસિયા પીઆઈ વસાવાના નામથી પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી.
વેપારીએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થતાં પહેલા અઢી લાખ અને ફરિયાદ દાખલ થયા પછી બાકીના અઢી લાખ આપવા પડશે. જે અંગે જમીનના વિવાદ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરનારે એસીબી ગાંધીનગરમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી વેપારીની વાડી ચોખંડી ખાતે આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અઢી લાખ આપવા જતા એસીબીએ રેડ પડી વેપારીને ઝડપી પાડયો હતો. એસીબી વડોદરાએ ખાનગી વ્યક્તિ વેપારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. આજે બપોરે વેપારીનું મેડિકલ કરાવ્યા બાદ આજે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરતા વેપારીને જેલમાં મોકલી દેવાયો હતો. એસીબીએ જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા જે વિગતો રજૂ કરાઇ છે તે અંગે આગળની કાર્યવાહી ચાલુ છે. પીઆઇની સંડોવણી અંગે સાંયોગિક પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
