અટલાદરા નારાયણ વાડી પાસે મોપેડ સવાર દંપતી અને બાળકને બૂલેટ ચાલકે ટક્કર મારતા ચાર મહિનાના બાળકનું મોત થયું છે.

બિલ રોડ પ્રધાન મંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ વોચમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાતે તેઓ પત્ની સોનલ સાથે ચાર મહિનાના બીમાર પુત્ર દિવ્યાંશને લઇને મોપેડ પર સારવાર માટે જતા હતા. તેઓ અટલાદરા નારાયણવાડી સામે રોડ પર તેઓ પેટ્રોલ પુરાવવા માટે પંપ પર જવા ટર્ન લેતા હતા. તે દરમિયાન અટલાદરા તરફથી આવતા એક બૂલેટ ચાલકે તેઓના મોપેડને ટક્કર મારતા પતિ, પત્ની અને બાળક રોડ પર ફંગોળાઇને પડયા હતા. ભરતભાઇને માથામાં, સોનલબેનને હાથ પર તેમજ ચાર મહિનાના બાળકને માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ચાર મહિનાના બાળકનો જીવ બચી શક્યો નહતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી બૂલેટ ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
