સાવલી તાલુકાના તાડીયાપુરા ગામેથી વાંકાનેર ગામ સુધી જિલ્લા પોલીસે એક બોલેરો પીકઅપનો ગઇ રાત્રે પીછો કરી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે ચાલક અંધારામાં ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ સફેદ રંગની એક બોલેરો પીકઅપ ગાડી વાંકાનેર કેનાલવાળા રસ્તેથી તાડીયાપુરા તરફ જવાની છે તેવી માહિતીના આધારે ભાદરવા પોલીસે ગઇ રાત્રે કેનાલ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને બેટરીનું અજવાળું મારી રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે ગાડી રોકવાના બદલે તેને ભગાવી હતી. વડોદરા આરટીઓ પાસિંગની આ ગાડીને ઝડપી પાડવા પોલીસે ખાનગી કારમાં પીછો કર્યો હતો.

પોલીસે પીછો કરી આગળ વાંકાનેર ગામની સીમમાં કેનાલ પર બીજી પોલીસની ગાડીની આડસો મૂકાવી હતી જેથી બોલેરોના ચાલકે તે જોતા રસ્તામાં જ ગાડી પાર્ક કરી ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા તે અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા અંદરથી રૃા.૨૯.૫૨ લાખ કિંમતની ૧૪૪૦૦ નંગ દારૃની બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૩૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

