દિવાળી અને તેની સાથે જોડાયેલા તહેવારોનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે અને છેલ્લા બે દિવસથી શહેરના બજારોમાં દિવાળીની જોરદાર ખરીદી શરુ થઈ છે.જીએસટીના કારણે સેંકડો વસ્તુઓના ભાવ ઘટયા હોવાથી આ વખતે દિવાળીની ખરીદી પણ વધારે થાય તેવો અંદાજ મૂકાઈ રહ્યો છે.

આજે રવિવારની રજા હોવાથી શહેરના એમજી રોડ, રાવપુરા રોડ, મંગળબજાર, નવા બજાર જેવા વિસ્તારોમાં સવારથી જ ઘરાકી જોવા મળી હતી અને સાંજ પડતા તો પગ મૂકવાની જગ્યા ના મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરીખનું કહેવું છે કે, આ વખતે ઘરાકી નીકળવાની આશાએ વેપારીઓએ સારો એવો સ્ટોક કર્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૩૦ ટકા વધારે ખરીદી થાય તેવો અંદાજ છે.હવે બેસતા વર્ષની પૂર્વ સંધ્યા સુધી એટલે કે તા.૨૧ ઓકટોબર સુધી બજારમાં આ જ પ્રકારની ઘરાકી રહેશે…દરમિયાન દર વર્ષની જેમ ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થવા માડયો છે.બજારો મોડે સુધી ખુલ્લા રહેતા હોવાથી અને મુખ્ય રસ્તા પર જ તંત્રની રહેમ નજર હેઠળ લારી, ગલ્લા અને પથારાવાળાના દબાણઓ હોવાથી તથા રીક્ષા ચાલકો મુખ્ય રસ્તા પર જ ઉભા રહેતા હોવાથી વાહન ચાલકો અને ખરીદી કરવા આવનારા પણ અટવાઈ રહ્યા છે.ટ્રાફિક જામના કારણે ચાર દરવાજા વિસ્તારમાં પ્રદૂષણ પણ વધી ગયુ છે.

