ડભોઈ તાલુકાના અરણીયા ગામે એક મકાનના રસોડામાં બનાવેલા ભોંયરામાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો જો કે બૂટલેગર ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અરણીયા ગામમાં રહેતો દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારીયાએ પોતાના ઘરના રસોડામાં ગેસના બોટલ મૂકવાની ટાઇલ્સ નીચે એક ભોંયરું બનાવીને તેમાં મોટા જથ્થામાં દારૂ સંતાડ્યો છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના માણસોએ દરોડો પાડતા દિનેશ ઉર્ફે પકો સ્થળ પર મળ્યો ન હતો. દરમિયાન પોલીસે ઘરમાં તપાસ હાથ ધરી હતી અને બાતમી મુજબ રસોડામાં પ્લેટફોર્મની નીચેના ખાનામાં મૂકેલ ગેસની બોટલ હટાવી તેની નીચે તપાસ કરતાં ભોંયરું મળ્યું હતું. ભોંયરું જોઈને પોલીસ ચોંકી ગઈ હતી અને એક સીડી મંગાવી અંદર ઉતરી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો જણાયો હતો. પોલીસે ભોંયરામાંથી રૂ. 3.31 લાખ કિંમતની દારૂ અને બીયરની 1368 બોટલો તેમજ ટીન કબજે કર્યા હતાં અને દિનેશ ઉર્ફે પકો સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


