બેંક ખાતાધારકની જાણ બહાર ચેકનો દુરુપયોગ કરી બોગસ સહી મારફતે રૂ.2.95 લાખ ઉપાડી લઈ છેતરપિંડી અંગેની લેખિત ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈના રહેવાસી ઉદય અરવિંદભાઈ શાહ વર્ધમાન કો.ઓ. બેંક લિ. સુલતાનપુરા બ્રાન્ચ વડોદરા ખાતે સેવિંગ ખાતુ ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, ગઈ તા.19 સપ્ટેમ્બરના રોજ ઉક્ત ખાતાના ચેક તફડાવી લઈ બોગસ સહી કરી ધ્વનિ એન્ટરપ્રાઇઝ (બરોડા સિટી કો. ઓ. બેંક લિ.,કારેલીબાગ) દ્વારા રૂ.2.95 લાખ વટાવી લેવામાં આવ્યા છે. વર્ધમાન બેંક દ્વારા ખાતાધારકને પેમેન્ટ અંગે અમારું કન્ફર્મેશન કરાયું નથી. આ બાબત બેંક કર્મચારી સામે શંકા પ્રેરે તેવી છે. અમારા સંબંધી જીનલ જગદીશ ગાંધી (રહે-જગદંબા સ્ટોર, ફતેપુરા) ને આ અંગે જાણ કરતા જીનલે મને કહ્યું હતું કે, આપણી પોલીસમાં ઓળખાણ છે અને પૈસા કઢાવી આપવાનું કીધું છે, પોલીસ કર્મચારી પ્રતાપ ચૌધરી મારફતે બધા પૈસા ખાતામાં આવી જશે. ત્યારબાદ જીનલ ગાંધી દ્વારા તા.29 ઓક્ટોબરના રોજ ધ્વનિ એન્ટરપ્રાઇઝ ખાતાનો રૂ.1.50 લાખનો ચેક જમા કરાવતા રિટર્ન થયો હતો. ત્યારબાદ જીનલે કહ્યું હતું કે, ધ્વનિ એન્ટરપ્રાઇઝ તરફથી આવેલ રૂ.1.50 લાખ રોકડા તથા રૂ.1.45 લાખનો ચેક વટાવી રૂ.2.95 લાખ આપી જાવ છું. પરંતુ આજ દિન સુધી અમને રકમ મળી નથી. આ અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જીનલ ગાંધી સામે 30થી વધુ ચેક રીટર્નની ફરિયાદ : બે કેસમાં સજા
ધ્વની એન્ટરપ્રાઇઝના માલિક જીનલ જગદીશ ગાંધીને અગાઉ ચેક રિટર્નના કેસોમાં કોર્ટે સજા ફટકારતા હુકમ કર્યા છે. તેમજ તેની સામે 30થી વધુ ચેક રીટર્નની કોર્ટમાં ફરિયાદો પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2024 જૂન મહિના દરમિયાન હાથીખાના બજારના વેપારી પાસેથી રૂ.7.42 લાખ તથા રૂ.3.84 લાખનું કરિયાણું ખરીદ્યું હતું. જે પેટેના ચેક રિટર્ન મામલે બે અલગ અલગ કેસોમાં કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જીનલ ઉર્ફે જીમિત ગાંધી, જગદંબા કરિયાણા સ્ટોર્સ, ફતેપુરા, વડોદરા સામે કોર્ટ માં 30 થી વધુ ચેક રીર્ટનના કેસો ચાલતા હોવાની માહિતી પણ બહાર આવી છે.

