વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાંથી પોલીસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક કેરિયરને ઝડપી પાડી તેના નેટવર્કની તપાસ શરૂ કરી છે.

રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા મોદી હાઉસ નામના મકાનમાં એમડી ડ્રગ્સનો ધંધો ચાલતો હોવાની વિગતો મળતા એસ.ઓ.જીએ વોચ રાખી હતી. જે દરમિયાન મકાનના ત્રીજા માળેથી મહમદ રફીક ઈકબાલભાઈ મલેક ઝડપાઈ ગયો હતો.
પોલીસે રૂ.પોણા બે લાખનું 58 ગ્રામ એમડી ડ્રગ્સ, વેચાણના રોકડાનું 14700, ડિજિટલ વજન કાંટો અને મોબાઈલ કબજે કર્યા હતા. આ ડ્રગ્સ કોની પાસેથી મેળવ્યું હતું અને કેટલા સમયથી ધંધો કરતો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેની પાસે નિયમિત કોણ કોણ ડ્રગ્સ લેવા આવતું હતું તેની પણ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

