ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે અને તેમાં વડોદરાની સેન્ટ્રલ જેલના કેદીઓ પણ યોગદાન આપી રહ્યા છે.

આ કામગીરી માટે મતદારોએ ભરવા માટેના ફોર્મ પૈકીના ૫૦૦૦૦ ફોર્મ જેલના પ્રિન્ટિંગ પ્રેસમાં જેલના કેદીઓ દ્વારા પ્રિન્ટ કરવામાં આવ્યા છે.વડોદરા જિલ્લા વહીવટી તંત્રે આપેલા ઓર્ડર બાદ કેદીઓએ ગણતરીના દિવસોમાં આ કામગીરી પૂરી કરી હતી.
જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાનું કહેવું છે કે, જેલના કેદીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવામાં આવી છે અને આ પ્રિન્ટિંગ પ્રેસ થકી જેલને નોંધપાત્ર આવક પણ થઈ રહી છે.
તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં વહીવટીતંત્રને મતદાર યાદીની કામગીરી માટે વધારાના ફોલ્ડરની જરુર પડી હતી અને ૩૦૦૦ ફોલ્ડર તેમજ બૂથ લેવલ ઓફિસરો માટે જરુરી રજિસ્ટર નિયત સમય મર્યાદામાં જેલના પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને તંત્રને સુપરત કરાયા હતા.આ જ ફોલ્ડર અને રજિસ્ટરનો ઉપયોગ લાખો મતદારોનો ડેટા સાચવવા માટે કરવામાં આવી રહ્યો છે.જેલના પ્રિન્ટિંગ પ્રેસનું ટર્ન ઓવર ૧.૮૫ કરોડ
વડોદરા જેલના પ્રિન્ટિંગ પ્રેસનું ૨૦૨૪-૨૫નું ટર્ન ઓવર ૧.૮૫ કરોડ પર પહોંચ્યું છે.જેમાં ૧૬ લાખ રુપિયાના ચોખ્ખા નફાનો પણ સમાવેશ થાય છે.જેલના પ્રેસમાં છાપવામાં આવતી સ્ટેશનરી મધ્ય ગુજરાતની સરકારી ઓફિસો તેમજ પોલીસ વિભાગમાં સપ્લાય કરવામાં આવે છે.વડોદરા સેન્ટ્રલ જેલ રાજ્યની એક માત્ર એવી જેલ છે જેની પાસે સંપૂર્ણ ક્ષમતા સાથેનું કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને રાજકોટ અને મહેસાણાની સરકારી કચેરીઓમાંથી પણ ઓર્ડર મળે છે.

