શહેરના ખોડિયારનગર સ્થિત મહાકાળી વુડા આવાસ યોજનામાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત મહિલોઓએ આજે વોર્ડ નંબર ૪ની ઓફિસે ભારે હોબાળો મચાવ્યો હતો.

ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી મહાકાળી વુડા આવાસ યોજનામાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ભારે પરેશાન છે. ડ્રેનેજનું દૂષિત પાણી ચારે તરફ ફરી વળતા વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ ઉપરાંત મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
આ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ ઝોનની વોર્ડ નંબર ૪ની ઓફિસ ખાતે મોરચો કાઢ્યો હતો. ઓફિસે અધિકારીઓ હાજર ન મળતા મહિલાઓએ ધરણા પર બેસી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી તેઓ આ મુદ્દે વહીવટી તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.

