VADODARA : માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ

0
49
meetarticle

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવીના એક પિલરને જે નુકસાન થયું છે, તેના માટે કામ ચલાઉ ધોરણે હાલ પિલર ફરતે સ્ટીલની પ્લેટ લગાવી દઈ અંદર કોંક્રીટનું મટીરીયલ ભરી પિલરને મજબૂતાઈ આપવાનું કામ કર્યું છે. આ કામગીરી પિલરને હાલ સુરક્ષિત રાખવા માટેની છે. હજુ સુધી માંડવીના રીનોવેશન માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેથી કામ હાલ જલ્દી શરૂ થાય તેમ લાગતું નથી.

કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ માંડવી રીનોવેશનનું જે કામ કરવાનું છે,તેનું પ્રેઝન્ટેશન જોયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડરની કામગીરી ટૂંક સમયમાં થશે. હાલ નુકસાનગ્રસ્ત પિલર ફરતે ગોળાકારમાં એમએસની પ્લેટ લગાવી દેવામાં આવી છે. સાત મહિના અગાઉ માંડવીના પિલરને નુકસાન થયું હતું, ત્યારથી માંડવીની ઈમારત ચર્ચામાં આવી છે. ગત જાન્યુઆરીમાં માંડવીના પિલરમાં તિરાડો દેખાઈ હતી, જે ઈમારતના અસ્તિત્વ પર ખતરાની ઘંટડી સમાન ગણાવાઈ હતી. વડોદરા કોર્પોરેશનએ આ હેરિટેજ ઇમારતના સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યા બાદ ઇમારતને વધુ નુકસાન થતું અટકાવવા મધ્યના ભાગમાં લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરાયા હતા. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તજજ્ઞ, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ અને શહેરના હેરિટેજ તજજ્ઞો દ્વારા પણ આ ઈમારતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇમારતની વચ્ચેના ભાગમાં ભારે ગર્ડર તેમજ સ્ટીલના પાઇપ ઈમારતની કમાનમાં ફીટ કરવામાં આવ્યાં હોવા છતાં પિલરને નુકસાન થતું રહ્યું હતું. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરીને પિલરને વધુ નુકસાન થતું અટકાવવા માટે કામ કરવા નક્કી કર્યું હતું.  પિલર ફરતે સ્ટીલની પ્લેટ ગોળાકાર મૂકી અંદર મટીરીયલ ભરી દીધું હતું. જોકે આ વ્યવસ્થા કામ ચલાઉ છે, અને  વધુ નુકસાન થતું અટકાવવા માટેનું છે. જ્યારે માંડવી પિલરનું રીનોવેશન કામ હાથ પર લેવાશે ત્યારે આ સ્ટીલની જે પ્લેટ લગાવવામાં આવી છે તે હટાવી લેવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here