વાગરા તાલુકાના પખાજણ ગામ પાસે આવેલી યશો કંપની નજીક એક રુંવાડા ઉભા કરી દે તેવો માર્ગ અકસ્માત સર્જાયો હતો. વહિયાલ ગામનો યુવાન મયંક પરમાર પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાલુ બાઇકે રસ્તા પર પડી ગયેલી પોતાની ટોપી (કેપ) લેવા માટે તેણે પાછળ જોયા વગર અચાનક બાઇક વાળતા કાળ બનીને આવેલી ઇકો કારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ ટક્કરના કારણે બાઇક સવાર યુવાન હવામાં ફંગોળાઈને માર્ગ પર પટકાતા ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બીજી તરફ, ટક્કર બાદ બેકાબૂ બનેલી ઇકો કાર માર્ગની નીચે ઉતરી ગઈ હતી, પરંતુ સદનસીબે કારની સુરક્ષા એરબેગ્સ સમયસર ખૂલી જતાં કાર ચાલક સહિતના મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જો એરબેગ ન ખૂલી હોત તો આ અકસ્માત મોટી હોનારતમાં પરિણમી શક્યો હોત. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર પડેલી નજીવી વસ્તુ લેવા માટે હાઇવે પર અચાનક વળાંક લેવાની એક નાની ભૂલ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તે આ ઘટનાએ સાબિત કરી દીધું છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

