વડોદરામાં અછોડા લૂંટવા માટે યુપીથી કારમાં આવતી બાવરીયા ગેંગનો પર્દાફાશ થયો છે.ક્રાઇમ બ્રાન્ચે મહત્વના મનાતા એક સાગરીતને ઝડપી પાડી બીજા ત્રણની તપાસ હાથ ધરી છે.

શહેરમાં અછોડા લૂંટવાના બનેલા બનાવોમાં લૂંટારાઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઇલ સર્વેલન્સ સહિતના સોર્સ મારફતે તપાસ કરવામાં આવતી હતી.જે દરમિયાન વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે ગઇ તા.૨૦મી જૂન અને હરણીરોડ નાગેશ્વર સોસાયટી ખાતે તા.૧૮મી નવેમ્બરે બે અછોડા લૂંટવાના બનાવમાં પોલીસને મહત્વની સફળતા મળી છે.
પોલીસે એક પછી એક ફૂટેજ મારફતે પગેરું શોધતાં હાલોલ પાસે પાર્ક કરાયેલી કાર શંકસ્પદ જણાઇ હતી.જેથી પોલીસે ટોલ નાકાઓ પરથી કારના ફૂટેજ મેળવતાં યુપીનું પગેરું નીકળ્યું હતું.પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી અને કારમાં દેખાતા આરોપી મેજરસિંગ જોગાસિંગ (અહમદગઢ, જિ. શામલી,યુપી)ને ઝડપી પાડયો હતો.પોલીસની તપાસમાં મેજરસિંગે તેની કારમાં ચાર જણા અછોડા લૂંટવા આવતા હોવાની કબૂલાત કરી હતી.મેજરસિંગ અને સેન્ટડી બીટ્ટુ વઢેરા નામનો સાગરીત હાલોલ પાસે કારમાં બેસી રહેતા હતા અને નીતિન બાવરીયા અને સંજય બાવરીયા બાઇક ચોરી કરી અછોડા લૂંટીને પરત ફરતા હતા.જેથી ત્રણેયની તપાસ કરવામાં આવી રહી છે.
લૂંટારાને શોધવા પોલીસે ટોલનાકા પર કર્મચારી તરીકે કામ કર્યું
અછોડાતોડ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાતી કારની માહિતી મળી હતી.પરંતુ લૂંટારાઓને શોધવા મુશ્કેલ હતા.જેથી પોલીસે કારની અવરજવર વધુ હોય તેવા ટોલ નાકાઓ પરથી ફૂટેજ મેળવ્યા હતા અને યુપીના પ્રતાપપુરાના ટોલનાકા પર કાર વારંવાર દેખાતી હોવાથી ત્યાં કર્મચારી તરીકે પંદર દિવસ સુધી રહ્યા હતા.આ જ વખતે કાર પસાર થતાં પોલીસે કાર ચાલક મેજરસિંગને ઝડપી પાડયો હતો.

