છાણી વિસ્તારમાં આવેલા એક હીલિંગ સેન્ટરમાં યોગ અને મેડિટેશન શીખવતા શિક્ષક સામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.સંસ્કારી નગરી વડોદરામાંથી શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા એક હીલિંગ સેન્ટરમાં યોગ અને મેડિટેશન શીખવતા શિક્ષક સામે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના છાણી વિસ્તારમાં આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં બની છે. ભોગ બનનાર 14 વર્ષની સગીરા ઓવર-થીન્કિંગ અને ઊંઘ ન આવવાની બીમારીથી પીડાઈ રહી હતી, જેના કારણે તેને મેડિટેશન અને હીલિંગ માટે આ સેન્ટરમાં લાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ગત તારીખ 3ના રોજ યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલે સગીરાને મેડિટેશન કરાવવાના બહાને પોતાની ખાનગી કેબિનમાં બોલાવી હતી અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ સગીરા ભયના માર્યા અચાનક કેબિનમાંથી દોડતી-દોડતી બહાર આવી ગઈ હતી. સેન્ટરમાં હાજર અન્ય દર્દીઓને ભેટીને તેણે રડતાં-રડતાં “મને બચાવી લો” તેમ કહી મદદ માંગી હતી.

જોકે, આ સમયે આરોપી ડો. રૂપેશે સ્થિતિ સંભાળવાના પ્રયાસરૂપે અન્ય દર્દીઓને કહ્યું હતું કે, “આનો ભરોસો ના કરો.” પરંતુ, ગભરાયેલી સગીરાએ આ કૃત્યથી હતાશ થઈને સેન્ટર પરથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સગીરાની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ડો. રૂપેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે તાત્કાલિક પગલાં લેતા યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શિક્ષણ અને હીલિંગના નામે ચાલતા સેન્ટરોની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

