રાજમહેલ રોડ પર રિક્ષા ચલાવતા સમયે જ એટેક આવતા રિક્ષા ચાલક ઢળી પડયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી શરદનગરમાં રહેતા શૈલેષભાઇ મનસુખભાઇ મીઠાપરા ( ઉં.વ.૪૫) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.આજે બપોરે દોઢ વાગ્યે તેઓ રિક્ષા લઇને ખંડેરાવ માર્કેટથી લાલકોર્ટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં જ તેઓને ચક્કર આવતા તેમણે રિક્ષા સાઇડ પર ઊભી કરી દીધી હતી. રિક્ષામાંથી નીચે ઉતરતા જ તેઓ ઢળી પડયા હતા. એમ્બ્યુલન્સમાં તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. તેઓને એટેક આવ્યો હોવાનું પ્રાતથમિક તારણ છે. જોકે, પી.એમ.રિપોર્ટ પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા મકરપુરા જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના બિઝનેસમેન હિતેશભાઇ સૂર્યકાંતભાઇ ઠક્કરને બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા પાસે ચાલુ કારે જ એટેક આવતા તેઓનું મોત થયું હતું.
