દિવાળી અને છઠ્ઠપૂજા નિમિત્તે રેલ્વે સ્ટેશનો પર વધતી ભીડ અને મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વડોદરા અને પ્રતાપનગર સ્ટેશનો ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા સ્ટેશને મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મનં. ૬ પાસે પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. વડોદરા અને પ્રતાપનગર સ્ટેશનો પર વધારાના બુકિંગ કાઉન્ટરો શરૂ કરાયા છે. એક્સ્ટ્રા ટિકિટ ચેકર તથા આરપીએફ જવાનોની નિયુક્તિ કરાઈ છે. રેલ્વે સુરક્ષા દળના જવાનો સુરક્ષા અને સંકલન માટે વોકી-ટોકી અને બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે. સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ૨૪ કલાક મુસાફરોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. વિભાગીય કંટ્રોલ ઓફિસમાં આં વોર રૂમ શરૂ કરાયો છે. મુસાફરોની અવરજવર સરળતાથી થઈ શકે તે માટે મુસાફરાને પ્લેટફોર્મ કે એન્ટ્રી ગેટ પાસે ભીડ ન કરી હોલ્ડિંગ એરિયાનો ઉપયોગ કરવા તંત્રે સુચના જારી કરી છે.
વડોદરા સ્ટેશને સ્ટોલ્સ પર ફૂડનું ચેકીંગ, નમુના લીધા
આજે રેલ્વે મેડિકલ ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વિવિધ સ્ટોલ ખાતે ચેકિંગ કર્યુ હતું. તળેલું ફૂડ બનાવવા વપરાતા તેલનું ટીપીસી મીટર (ટોટલ પોલર કમ્પાઉન્ડસ) વડે શુદ્ધતા ચકાસવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં વડોદરા ડિવિઝનના અલગ અલગ સ્ટેશન પરથી ખાદ્ય પદાર્થોના ૨૭ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. છેલ્લા૧૫ દિવસમાં વધુ ૧૬ સેમ્પલ તપાસાર્થે લીધા છે.

