વડોદરા શહેરના સતત ધમધમતા અકોટા-મુજમહુડા માર્ગ પર ફરી એક વખત વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેના પગલે વાહનવ્યવહારને તાત્કાલિક બંધ કરવો પડ્યો છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ, કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. જોકે, આ ભૂવાના કારણે સ્થાનિકોમાં રોષ ભરાયો છે અને રસ્તા પર આવી ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવાના ભાગરૂપે નારિયેળ વધારી ભૂવાનું સ્વાગત કર્યું હતું.

10 ફૂટ પહોળો ભૂવો પડ્યો
મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર 12માં આવતા અકોટા-મુજમહુડા માર્ગ પર આ ભૂવો પડ્યો હતો. અંદાજે 10 ફૂટ પહોળાઈ અને 5 થી 7 ફૂટ ઊંડા આ ભૂવાના કારણે વાહનવ્યવહાર તાત્કાલિક ધરોણે બંધ કરવામાં આવ્યો છે. સદ્નસીબે આ ભૂવાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે, કોર્પોરેશનના અધિકારીઓએ ભૂવાની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. હાલ અહીં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.
સ્થાનિકોમાં ભ્રષ્ટાચાર સામે ભારે રોષ
આ ઘટનાને પગલે સ્થળ પર હાજર સામાજિક કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ ભૂવાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વણસી છે. સામ્રાજ્ય સોસાયટી પાસે પહેલાંથી જ સમારકામના કારણે એક તરફનો માર્ગ બંધ હતો, ત્યારે હવે નજીકમાં જ પ્રથમ એવન્યુ પાસે ભૂવો પડતાં સેલ પેટ્રોલ પંપથી નાયરા પેટ્રોલ પંપ તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો છે.
સ્થાનિક સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ કહ્યું કે, વર્ષ 2024માં આ માર્ગ પર 17 જેટલા ભૂવા પડી ચૂક્યા છે અને તેમણે નવા વર્ષની શરૂઆતમાં જ નારિયેળ વધેરીને હવે આ નવા ભૂવાનું સ્વાગત કર્યું હતું. લોકો સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. આ સિવાય તાત્કાલિક ધોરણે આ ભૂવાના સમારકામની માંગ કરવામાં આવી રહી છે.
