વિદેશથી લાખો રૃપિયાની ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો પર ગાળિયો વધુ મજબૂત કરવા માટે સાયબર સેલની સાથેસાથે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં પણ હવે ઠગાઇમાં ઉપયોગમાં લેવાયા હોય તેવા સ્થાનિક બેન્ક ખાતાધારકો સામે ગુના નોંધાવા માંડયા છે.

ઓનલાઇન ઠગાઇમાં જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હોય તેની માહિતી નેશનલ સાયબર પોર્ટલ દ્વારા પોલીસને આપવામાં આવી રહી છે.જેને આધારે સ્થાનિક પોલીસ દ્વારા મામૂલી કમિશન લઇને ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરી આપતા ખાતા ધારકો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે.
આજે છાણી પોલીસે બેન્ક ઓફ બરોડાના ખાતાધારક કિશન શંકરભાઇ પરમાર (નાની અમીન ખડકી,છાણી) તેમજ તેના બેન્ક ખાતાને ઓપરેટ કરતા પાર્થ મનહરભાઇ (મોચીવાડ,છાણી)સામે ગુનો નોંધ્યો છે.આ ખાતામાં રૃ.૧૨.૬૪લાખના બિનઅધિકૃત વ્યવહાર થયા હતા.જ્યારે,ફતેગંજની કેનેરા બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતા ખોલાવનાર પિન્કેશ વિજયપાલ જિન્ગર(રાજ કમલ એપાર્ટેમેન્ટ, આજવારોડ) અને તેના બેન્ક ખાતા ઓપરેટ કરતા હર્ષવર્ધન ઉર્ફે અભિજિત વાંકોડે તેમજ મહાવીર(બંને રહે.હરણી) સામે પણ ગુનો નોંધ્યો છે.આ ખાતામાં પણ ૧૪.૦૭ લાખના વ્યવહારો થયા હતા અને ખાતા ધારકને કમિશન પેટે ૨૪હજાર મળ્યા હતા.પોલીસ દ્વારા બંને બનાવોમાં ટ્રાન્જેક્શનોની ડીટેલ તપાસવામાં આવી રહી છે.

