સેંકડો વસ્તુઓ પર ઘટેલા જીએસટી અને દિવાળી બોનસની વહેંચણી બાદ શહેરના બજારોમાં અભૂતપૂર્વ ઘરાકી જોવા મળી રહી છે.આજે રવિવારની રજાના દિવસે તો મંગળબજારથી લઈને શોપિંગ મોલ સુધી તમામ સ્થળોએ લોકોનો ખરીદી માટે ધસારો રહ્યો હતો.

છેલ્લા બે દિવસથી તો શહેરમાં દુકાનો પણ રાતના બે વાગ્યા સુધી ખુલ્લી રહેવા માડી છે અને આ સમયે પણ લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.વેપારી સંગઠનોનું કહેવું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે ૨૫ થી ૩૦ ટકા ઘરાકી વધશે તેવો અંદાજ હતો પણ હવે ગયા વર્ષ કરતા ૫૦ ટકા વધારે ખરીદી લોકો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.ખાસ કરીને કપડા, જૂતા, કટલરી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઓટોમોબાઈલ, ઈમિટેશન જ્વેલરીની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.કપડાના વેપારીઓનો તો જૂનો સ્ટોક પણ ખલાસ થવા આવ્યો છે. લોકોનો ખરીદી માટેનો આ પ્રકારનો ધસારો છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો નથી.શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મંગળબજાર, ન્યાય મંદિર, એમજી રોડ પર તો રોજ એક લાખ કરતા વધારે લોકો ઉમટી રહ્યા છે અને તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે.જાણકારોનું માનવું છે કે, દિવાળીની પૂર્વ સંધ્યા જેવી ગીર્દી હજી આવતીકાલે, સોમવારે પણ જોવા મળશે.લોકો દિવાળીના દિવસે પણ ખરીદી કરતા હોય છે.
બે દિવસથી રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો
ચાર દરવાજા વિસ્તારમાં દિવાળી દરમિયાન ટ્રાફિક જામ એ નવી વાત નથી પણ બે દિવસથી રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરના જેલ રોડ, અટલ બ્રિજ, અકોટા બ્રિજ, સયાજીગંજ, સ્ટેશન જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.દિવાળી પર્વ નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવી છે.તે જોવા માટે લોકો ઉમટી રહ્યા છે અને તેમાં ખરીદી માટે નીકળતા લોકોનો ટ્રાફિક ઉમેરાતો હોવાથી ટ્રાફિકની સ્થિતિ વણસી રહી છે.લોકો કલાક- કલાક સુધી ટ્રાફિકમાં ફસાતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે.એટલું જ નહીં મધરાત સુધી ટ્રાફિક જામ રહે છે.

