સાયબર ક્રાઈમ કે ફ્રોડ થયાના એક કલાકની અંદર નેશનલ હેલ્પ લાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરવામાં આવે તો ગુમાવેલી રકમમાંથી ૮૦ ટકા સુધીની રકમ પાછી મળવાની શક્યતા વધી જાય છે.આ એક કલાકનો સમય તપાસ માટેનો ગોલ્ડન અવર ગણાય છે તેમ હરિયાણા પોલીસના પૂર્વ સલાહકાર અને વર્તમાનમાં યુપી પોલીસના સાઈબર ક્રાઈમ માટેના સલાહકાર ડો.રક્ષિત ટંડને એક વાતચીતમાં કહ્યું હતું.

ઔદ્યોગિક સંગઠન ફિક્કી( ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ની મહિલા પાંખ દ્વારા આજે વડોદરા પોલીસ માટે માસ્ટર ક્લાસ ઓન સાઈબર ક્રાઈમ..નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશના જાણીતા સાયબર એક્સપર્ટ ડો.ટંડને વડોદરા પોલીસને માર્ગદર્શન આપ્યું હતું.ડો.ટંડને આ કાર્યક્રમ પૂર્વ એક વાતચીતમાં કહ્યું હતું કે, સાયબર ક્રાઈમ હવે એક મોટો પડકાર બની રહ્યો છે.૨૦૨૪ના વર્ષમાં સાયબર ક્રાઈમની ૩૬ લાખ ફરિયાદો નોંધાઈ હતી.લોકોએ ૨૨૦૦૦ કરોડ રુપિયા તેમાં ગુમાવ્યા હતા.સાયબર ક્રાઈમનો ભોગ ના બનાય તે માટે જાગૃતિ બહુ જરુરી છે.ખાસ કરીને હવે સાયબર ક્રિમિનલ્સ વૃધ્ધોને ડિજિટલ અરેસ્ટ થકી કે પછી પેન્શન માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તેવું કહીને શિકાર બનાવી રહ્યા છે.પેન્શનરોનો ડેટા ભેજાબાજો પાસે પહોંચી ગયો છે તે બહું ચોંકાવનારી બાબત છે.
મોટાભાગના લોકો ચાર પ્રકારના સાયબર ક્રાઈમનો શિકાર
વર્તમાનમાં મોટા ભાગે ચાર પ્રકારના સાઈબર ક્રાઈમનો લોકો ભોગ બની રહ્યા છે.
-ડિજિટલ અરેસ્ટ થકી
-શેરબજારમાં રોકાણની લાલચ આપતી બોગસ મોબાઈલ એપ થકી
-એપીકે ફાઈલ મોકલીને, ફોનને હેક કરીને ઓટીપી તથા બેન્ક એકાઉન્ટ પાસવર્ડ જાણી લેવા
–એઆઈની મદદથી ડીપ ફેક વિડિયો બનાવીને ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપવી, નાણા મંત્રીના પણ આ પ્રકારના વિડિયો તાજેતરમાં વાયરલ થયા હતા
મોબાઈલ ચોરાય કે ખોવાય તો સૌથી પહેલા સીમ કાર્ડ ફ્રિઝ કરાવો
ડો.ટંડને કહ્યું હતું કે, જો તમારો ફોન ખોવાય અથવા ચોરાઈ જાય તો સૌથી પહેલા સીમ કાર્ડ અને એ પછી બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાવવું જોઈએ.સરકારે સંચાર સાથી પોર્ટલ બનાવ્યું છે.આ પોર્ટલ પરથી તમે ફોન પણ બ્લોક કરાવી શકો છો.અત્યાર સુધીમાં ૪૨ આ પોર્ટલ થકી લાખ ફોન બ્લોક કરવામાં આવ્યા છે.પાંચ લાખ સાયબર કમાન્ડોઝ, પોલીસ તંત્ર માટે ઓનલાઈન કોર્સ
સાઈબર ક્રાઈમને અટકાવવા માટેના પ્રયાસો
–બેન્કો અને અન્ય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા સત્તાવાર એસએમએસમાં આગળ માઈનસની સાઈન મૂકવાનું અને જે પ્રકારની સર્વિસ માટે મેસેજ હોય તેનો પહેલો અક્ષર લગાવવાનું ફરજિયાત બનાવાયું છે
–બેન્કોની વેબસાઈટ પર બેન્કોના નામ પાછળ ડોટ બેન્ક ડોટ ઈન લગાવવાનું રહેશે
–ડિજિટલ અરેસ્ટના કોલ સર્વર પરથી જ બ્લોક થઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે
–માર્ચ મહિનાથી મોબાઈલ પર સીનેપ એટલે કે કોલ નેમ પ્રેઝન્ટેશનની સુવિધા શરુ થશે.કોલ કરનારાનું સીમ કાર્ડ જે નામથી હશે તે નામ કોલ રિસિવ કરનારાને મોબાઈલ પર દેખાશે એટલે બોગસ નામથી થતા કોલ ઓછા થઈ જશે.
–સાયબર ક્રાઈમના કેસની તપાસ માટે પોલીસને મદદ કરવા માટે પાંચ લાખ સાયબર કમાન્ડોઝને તૈયાર કરવામાં આવ્યા છે.જેમને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં તાલીમ અપાઈ છે.
–પોલીસ ફોર્સ માટે સરકારે ઓનલાઈન ટ્રેડિંગ એકેડમી થકી ઓનલાઈન કોર્સ શરુ કર્યા છે.પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેના પર આસાનીથી તાલીમ લઈ શકે છે
–બેન્કો આઈડેન્ટિફિકેશન સિસ્ટમ પણ દાખલ કરી રહી છે.જેના કારણે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થતા પહેલા ઓટીપી ઉપરાંત પણ વેરિફિકેશન કરાશે.

