વડોદરા શહેરના સુરસાગર તળાવ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરના લારીઓ અને પથારાના દબાણો દૂર કરવા ગઈકાલે શુક્રવારે રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી હતી. મ્યુઝિક કોલેજ પાસે કરવામાં આવેલી કાર્યવાહીમાં દબાણ શાખાએ અંદાજે 10 લારીઓ જપ્ત કરતા લારીધારકો અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યવાહી દરમિયાન લારીધારકો ભારે હોબાળો મચાવી નારાજગી વ્યક્ત કરી હતી.

સામાજિક કાર્યકર્તાની આગેવાની હેઠળ લારીધારકોએ મ્યુનિસિપલ અધિકારીનો ઘેરાવો કરી દબાણો દૂર કરવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. જપ્ત કરાયેલા સામાન ભરેલા ટ્રકો આગળ લારીધારકો બેસી જઈ લારીઓ છોડાવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા અને સત્તાપક્ષ તથા કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
લારીધારકોનું કહેવું છે કે, તેઓ દર મહિને રૂ.1 હજાર વહીવટી ચાર્જ ચૂકવે છે, તેમને વેપાર કરવા માટે જગ્યા ફાળવવામાં આવે અથવા વેપાર કરવા દેવામાં આવે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે વહીવટી ચાર્જ ગંદકી અને સફાઈ માટે વસુલવામાં આવે છે અને દબાણ હટાવવાની કાર્યવાહી નિયમિત પ્રક્રિયા મુજબ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ કાયદો-વ્યવસ્થા જાળવી હતી.

